કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૧. આપણે


૨૧. આપણે

પ્રિયકાન્ત મણિયાર

જેમાં વસ્યા તેની બરાબર
પથ્થરોનાં બસ મકાનો,
એ મહીં એવાં અચલ
કે આંકડા ઘડિયાળના;
ક્યારે ગમી છે ખુરશી છોડી જવી?
ને છતાં શી કાર્યવાહી?
મેજ પરની ફાઈલો તો નિત્ય વધતા કેશ જેવી,
કેશને સંખ્યા કશી —
ઓહ! કોકનો છે ફોન? ક્યાંથી વાગતો?
વિક્ષેપ છાપું વાંચતાં,
સારાય જગની સંવેદના તૂટી જતી,
જે આમ તો ચાના ગરમ પ્યાલા પછી પીગળી જતી;
ને નિત્યનાં છાપાં મહીં તો શું રહ્યું?
કંપોઝ એનું એ જ,
કો લિફ્ટ ઊંચેથી નહીં નીચે ગઈ
ત્યાં યુદ્ધ સૂતું જાગતું.
આજે રિહર્સલ થાય જો અણુબૉમ્બનું દરિયા વિશે,
તો કાલ નાટક ખાનગી;
દરિયા વિશે તો માત્ર થોડાં મત્સ્ય મરશે,
મૃદુ જીવ જેવું કૈંક છે આ વિશ્વમાં
એવું હજીયે આપણે જોયું નહીં,
સૂક્ષ્મદર્શક કાચનું એમાં કશુંયે કામ ના!
છાપા મહીં તો અન્ય એવું કેટલુંયે,
શબ્દના તે શા હિસાબો?
શબ્દ?
કો શબ્દના અક્ષર સમા સૌ આપણે કેવા નિકટ!
અર્થ કિંતુ એક ના એનો થતો!
મારા-તમારામાં કશોયે ભેદ ના.
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૫૦)