કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૫. તને એક...
૪૫. તને એક...
પ્રિયકાન્ત મણિયાર
તને એક પૂંપરો હુવે!
કેડમાં પણે કાનજી તેડ્યો કોઈ જશોદા તુજમાં જુએ!
બરાબર નવલે પાશે,
ગઈ ભરાઈ કોઈ તું આશે,
આભ ફાડીને આવતું કોઈ મીઠું મીઠું મલકે-રુવે.
ખાતાં ખારેક-ટોપરાં નર્યાં,
દરિયા બેઉ દૂધના ભર્યા,
આંખમાં રાખી ઘોડિયું એનું ભરવા પાણી જાય તું કૂવે!
ગોબરા થાતા પાલવ છેડા,
જાય છે વ્હેતા નાકના સેડા,
અડતાં અધિક થાય ગુલાબી ફૂલને પોચા વ્હાલથી લૂએ!
દીવડો કર્યો દેખવા એને,
કાજલ આંજ્યું નાનકાં નેને,
દુનિયા આખી દીધ ઢબૂરી જાગતી એની સોડમાં સૂએ!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૩૧)