કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૭. ચિરંતન નારી


૪૭. ચિરંતન નારી

પ્રિયકાન્ત મણિયાર

પૃથ્વી જેની કાયા
શૈલનાં શિખરો સુધી વિસ્તરેલો ઊભો જેનો દર્પ
અભ્ર અભ્રમાં ડોલતાં એનાં સ્તન
ધવલ તારકોના દંત
દ્વય સંધ્યાના રતુંબડા હોઠ
સ્વર્ગ જેનું મુખ
જંબુદ્વીપ જેની દૂંટી
વનરાજિનાં રૂંવાટાં
અંધકારની કેશઘટા
કમળનાં વન સમા સહસ્ર હાથ
સાત સમુદ્રનાં મોતીની માળા પ્હેરેલી
આકાશનો પાલવ ઓઢેલી
જેના પ્રત્યેક પગલામાં વસંતનાં પર્ણ
કોટિ કોટિ કીકીઓના દર્પણમાં જેની પ્રતિછાયા ઝળહળી ચૂકી છે તે
નિત્ય યુવા
ચિરંતન નારી
આજે ભિખારણના વેશે ટિળક રોડ પર
કેડમાં — રડીને છાનું રહી ગયેલું છોકરું તેડીને
પોતાના અશક્ત દીન હાથ દ્વારા — માંડ માંડ ઊંચકી
નાના છોકરાનો હાથ લંબાવી
મારી પાસે અબોલ આંખે કંઈક માગે છે
પણ હું ઝડપથી ભીડમાં ભળી જાઉં છું.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૩૪-૨૩૫)