કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૯. શબ્દો


૪૯. શબ્દો

પ્રિયકાન્ત મણિયાર

સમુદ્રનાં મોજાં સમાં આંતર-આંદોલનથી ઊછળતું
છતાં વ્યોમની વાદળછાંયને પોતામાં લપેટી લેતું
કોઈ જે સમુદ્રપાર ઊભું છે તેને માટે હું
શબ્દો શોધું છું.
જેને હો ટેરવાં કે જે એને સ્પર્શી શકે,
જેને હો આંખો કે જે એને જોઈ શકે,
જેને હો હાથ કે જે એને બાથ ભીડી શકે,
એકધારું પોતે જ બોલે એવા
શબ્દો હું નથી શોધતો.
હું એ શબ્દો શોધું છું
કે જેને હો કર્ણ
કે જે એની વાત સાંભળી શકે.
શબ્દો કે જે એને જોઈ
અશ્રુથી છલકી પડે
અને ક્ષણ પછી એના સ્પર્શે
મલકી પડે
એ શબ્દોને હું શોધું છું.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૭૦-૨૭૧)