કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૧. વડોદરા નગરી


૧૧. વડોદરા નગરી

બાલમુકુન્દ દવે

વડોદરા શે’ર સાથે પુરાણી છે પ્રીત મારે,
સાત વર્ષ લગી મારો અહીં વસવાટ છે;
આજવાનાં પાણી હજી ઊછળે છે અંગઅંગ,
માંડવીની ધજાનો આ ઉરે ફરકાટ છે.

પાણી દરવાજો, ગેંડી, ચાંપાનેર, લે’રીપુરા,
એટલો આ શહેરનો અસલ વિસ્તાર છે;
અલકાપુરી ને બીજાં એવાં એવાં ઝૂમખાંઓ
પાછળથી વસેલાં તે બાવનની બા’ર છે.

માંડવીથી ડાબે હાથ ચોકસીની ઓળ, પછી
ઘડિયાળી પોળ-નાકે અંબાજી હજૂર છે;
નાકની દાંડીની સામે સીધેસીધા ચાલ્યા જાઓ,
સયાજી ઇસ્કૂલ ત્યાંથી જરાયે ના દૂર છે.

સયાજી ઇસ્કૂલ ભાઈ, સંભારું છું સકારણ,
ભણ્યો છું હું એમાં, એનું ઋણ તો અપાર છે;
કુંભકાર જેમ જેણે ટીપણાથી ટીપી ટીપી
ઘડ્યો મારો ઘાટ, એને વંદન હજાર છે.

ભૂલું શેં શુક્કરવારી? દશેરાની ભવ્ય સ્વારી?
અગ્ગડ, અખાડા અને સંગીતની ગુંજને?
બળતા બપોર સમી ભવરણવાટ વિષે
સદાય હરિત રાખે હૈયા કેરી કુંજને.

નગર પિયારા! તારે પ્રાણ હજી સ્ફુરી રહ્યા
પ્રેમાનંદી માણ તણા રમ્ય રણકાર છે,
દયારામ-નગરી ડભોઈ નથી દૂર, એની
ગરબીની સૂર ઉર પૂરે ઝણકાર છે.

શરદની રાતે અહીં પોળ તણા ચોકઠામાં
સરખી સાહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે.
કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો
મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે.

નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે;
સભાની અદબ રાખી, વાણીને લગામ કરું,
કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.

લલિત લાજાળુ નાર તણાં શાં કરું વખાણ?
રસોઈની વાનીમાંયે એવી હોશિયાર છે,
અરધીક પોળ લગી મચી જાય છીંકાછીંક
એવો એનો ટેસદાર દાળનો વઘાર છે!

[દાળતણી વાત જ્યારે નીકળી તો ભેગાભેગી
એક આડવાત યાદ આવે સે’જ સે’જમાં,
દિવસો મસ્તાન હતા જિંદગીના જ્યારે અમે
સૂઈ રે’તા ઓટલે ને ખાઈ લેતા લૉજમાં.

એક દી સંજોગ એવો ભૂંડો બન્યો ભાઈ મારા!
કોનું મોઢું જોયું હશે ઊઠતાં પ્રભાતમાં?
લૉજ વિશે દાળ તણો સબડકો લેવા જતાં
બીડી તણું ઠૂંઠું ભેગું આવી ચડ્યું હાથમાં?]

અહીંની અનેક પોળ મહીં ઘર ભાડે રાખી,
ખટ માસે બદલતા, રસિક એ વાત છે;
મંડળી અમારી ઘર ગોતવાને ઘૂમે ત્યારે
ગુસપુસ બોલે લોકઃ ‘જુદી આ જમાત છે!’

‘ખાલી ઘર છે કે અહીં?’ પૂછતાંની વાર, જોઈ
દીદાર અમારા સામો સવાલ પુછાય છેઃ
‘કુંવારા કે પરણેલા?’ ઠેર ઠેર એની એ જ
શંકાભરી નજરોની મોકાણ મંડાય છે!

નાયક ટોળીનો થઈ ઠાવકો ભજાવે વેશઃ
‘ઘરવાળાં પિયરમાં, થોડા દીની વાર છે.’
લખ્ખણ અમારાં જોઈ, ગાજી ઊઠે લોકનાદઃ
પોળમાંથી કાઢો, આ તો વાંઢાની લંગાર છે!

રાજમહેલ જોવા જતાં પાવલી ખટાવી અમે
પલંગમાં પોઢવાની કરી લેતા પેરવી;
મ્યુઝિયમ જોવા જતાં નજર ચુકાવી અમે
આરસની સુંદરીને હાથ લેતા ફેરવી.

કાચના પિયાલા અમે રોશનીમાં ચોરી લીધા,
ગ્રંથાલયે ઘૂસી જઈ ફોટા ફાડી લીધા છે;
થાંભલે ચડીને ગોળા વીજળીના ગેપ કીધા,
એવાં એવાં કામ અમે બાહોશીનાં કીધાં છે.

કોને યાદ કરું? કોને વિસારું? કિતાબ થાય
એકથી સવાયા એક એટલા પ્રસંગ છે;
અધ્યયનકાળ મારો વીત્યો જે લાખેણો અહીં,
નમૂનાનાં બતાવ્યાં મેં એક-બે આ નંગ છે.

૨૦-૩-’૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૩૫-૩૭)