કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૨. બંદો અને રાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૨. બંદો અને રાણી

બાલમુકુન્દ દવે

સીમને સીમાડે તને જોયો મારા બંદા!
પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી.

એકલ બપોરે તને જોઈ મારી રાણી!
અક્કલપડીકી મેં તો ખોઈજી ખોઈજી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા!
હરખની મારી હું તો રોઈજી રોઈજી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી!
હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા!
નજરુંમાં નજર મેં પ્રોઈજી પ્રોઈજી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી!
તાંતણે બંધાયાં ઉર દોઈજી દોઈજી.

આંબલાની મેર ઝૂક્યો તુંયે મારા બંદા!
ફેર ફેર મોહી તને જોઈજી જોઈજી.

ઉરધબકાર એકતાર મારી રાણી!
ઊઠતા ઝંકાર એક સોઈજી સોઈજી.
...સોઈજી સોઈજી.

૩૧-૧-’૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪૨)