કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૧. અમારી જિન્દગી
૧૧. અમારી જિન્દગી
જિન્દગી ચાલી જમાનાની પવન-પીઠે ચડી,
હડફટે આવી ગયેલી કોઈ કોઈ રડી ખડી
વાદળી જાણે વિખૂટી કો’ વિના મોસમ તણી.
કોણ જાણે છે કઈ ગમ? પણ અમે ભાળી રહ્યા,
ભૂખનાં કાળાં ઉઘાડાં ખેતરો ભેંકાર ને
પાતળી કોઈ પડી નીચે નદીની તીરખી;
ડુંગરાની ગીધવાંકી ડોક ને પેજા તળે
ગામડું – ચકલા તણા ચૂંથાયલા માળા સમું.
વાદળી વરસી જશે? પણ ક્યાં ખબર છે એમને,
જન્મ જલભંડારમાં કોઈ અમે લીધો નથી;
ખાલી ખાલી પણ ખુવારી સંઘરી ગોટે ચડ્યા,
કોઈ અણદીઠા છતાં છીએ ધુમાડા દવ તણા;
આવતી પાછળ ધધખતી ઝાળ કેરી પણ ખબર
કોણ દેશે? અમ ગળાંમાં ગર્જનાયે ના મળે.
છેહ દેતા માત્ર છાયા શા અમે બાકી રહ્યા,
ભૂખનાં ખેતર અને આ તલખતાં તાકી રહ્યાં
૮-૨-’૫૪ (ગોરજ, પૃ. ૭૭)