કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૬. હલેસાંઓ...

૧૬. હલેસાંઓ...


હલેસાંઓ હેઠા પડી જાય ત્યારે
આ હોડીને ધક્કાઓ મારે છે પાણી.
મને ઝાંઝવાં જેમ આંખો મળે તો?
અહોહોહો શું શું વિચારે છે પાણી!
ડૂબી જાય લોખંડી સળિયાની છાયા,
ગઈ કાલથી આજ ભારે છે પાણી.
ઊભા છે પણે એ જ આવું કહે છે,
અહીંથી તો સામે વધારે છે પાણી.
હવા સાથ હિલ્લોળ લેતું ફરે છે,
ને પૂછો તો પાછું નકારે છે પાણી.
ભલે રાત આખી પડી જાય ઠંડું,
સવારે જ કપડાં નિતારે છે પાણી.
(ૐ તત્ સત્, પૃ. ૧૮)