કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૭. પોલાં શરીર...

૧૭. પોલાં શરીર...


પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે,
પથ્થર હતા તે અમને વાગી તૂટી ગયા છે.
રસ્તાનો કેફ છે કે મંઝિલનો એ નશો છે,
પગલાંઓ ચાલી ચાલી નિજને ભૂસી ગયાં છે.
એકાંતની પળોમાં મોંઘા હતા નિસાસા,
ખંડેરમાં જઈને સઘળા ડૂબી ગયા છે.
માઠી દશામાં એવા આધાર થાવ મારા,
મુજ આંખમાં એ નિજનાં આંસુ મૂકી ગયાં છે.
આંસુની મિત્રતામાં, આંસુની લાગણીમાં,
મારા અવાજ ગબડી ગબડી ફૂટી ગયા છે.
હમણાં જ આવશે એ, હમણાં પધારશે એ,
મુજ નામ ઠામ તેઓ હમણાં પૂછી ગયાં છે.
(ૐ તત્ સત્, પૃ. ૧૮)