કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૪. દૃશ્યો છે...
૨૪. દૃશ્યો છે...
દૃશ્યો છે એની પાછળ બારી ઉદાસ ચહેરો,
અંદર-બહાર ખળભળ બારી ઉદાસ ચહેરો.
ઈશ્વરના ભાર જેવું ઊંઘે છે એક સપનું,
અટક્યું છે એક વાદળ બારી ઉદાસ ચહેરો.
એને જગાડવાનું સદ્ભાગ્ય હોય ક્યાંથી?
આરામમાં છે મૃગજળ બારી ઉદાસ ચહેરો.
તારી દિશામાં મારી ચારે દિશા મળે છે,
બોલે છે ખૂબ સાંભળ બારી ઉદાસ ચહેરો.
અમથામાં એ ઊગે છે આછામાં એ બૂડે છે,
કોઈ ઉકેલો ઝળહળ બારી ઉદાસ ચહેરો.
દેખાય તો ઘણું છે સમજાય તો બધું છે,
પહેલી સવાર ઝાકળ બારી ઉદાસ ચહેરો.
ટેકો છે ટાંકણી છે બસની ટિકિટ કેન્સલ,
વહેતો અવાજ ખળખળ બારી ઉદાસ ચહેરો..
૧૭-૦૯-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૧૨)