કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૩. હતું ઊંઘમાં...
૩૩. હતું ઊંઘમાં...
હતું ઊંઘમાં ઊંઘ જેવું ઉઘાડું
કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું?
પવનની ગતિ એમ લાગે છે જાણે
દિશાઓ ઉપાડીને ચાલે છે ગાડું.
વીતેલી ક્ષણો કાચ જેવી બરડ છે
કહો તો તમારા ઉપર હું પછાડું.
સ્મરણના ખભા બેય થાકી ગયા છે
તને કેટલી વાર ક્યાંથી ઉપાડું?
દીવાલોને બાંધી દઈ એક પડખે
પડ્યું છે કોઈ કૈંક વર્ષોથી આડું.
નથી માત્ર બે આંખ ને બંધ મુઠ્ઠી
જગત એક આખું પડ્યું છે ઉઘાડું.
કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.
૧૯૬૯
(અગિયાર દરિયા, પૃ. ૫૧)