કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૯. ઉદાસીનું ટોળું

૯. ઉદાસીનું ટોળું


કરું છું હું બત્તી તો પડઘા ખરે છે,
હરે છે, ફરે છે ઉદાસીનું ટોળું.
મળે છે ને બે કાન માગે છે ત્યારે,
દીવાલો ધરે છે ઉદાસીનું ટોળું.
ગમે ના તો આંખોમાં બાંધે છે ફોરાં,
ને હૈયું ભરે છે ઉદાસીનું ટોળું.
સમયના પગોમાં ઊંઘે છે દિશાઓ,
એ જોયા કરે છે ઉદાસીનું ટોળું.
ઉછાળ્યા કરે રેત ઊંટોના જેવી,
અને વિસ્તરે છે ઉદાસીનું ટોળું.
(ૐ તત્ સત્, પૃ. ૧૦)