કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/કીર્તનિયો
હરિરસકેરો રસિયો,
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.
આ ભવરણમાં ભમતાં ભમતાં,
તવ ચરણોમાં નમતાં નમતાં,
લાધ્યો અમરતનો દરિયો.–
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.
પંખી ગાય, હું સૂર પુરાવું,
ભૃંગગુંજના સંગ હું ગાઉં,
અઢળક આનંદે ઢળિયો.–
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.
તાલ તાળી દઈ રંગ જમાવે,
સાંવરિયા શું સાધ મિલાવે,
સંગ સુહાગી મળિયો.–
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.
ભુક્તિ ન માગું, મુક્તિ ન માગું,
તવ લીલામય ભોમ ન ત્યાગું,
જનમ જનમ નર્તનિયો.—
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.
(સુરતા, પૃ. ૨૮)