કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ભવાબ્ધિમાં


૧૮. ભવાબ્ધિમાં

મારો મછવો નાનો ને મોટાં મોજવાં.
મારે ઝાઝેરાં જીવનમાં ઝૂઝવાંઃ
મારો મછવો નાનો ને મોટાં મોજવાં.

મારી નજરે કિનારો ક્યાંય ના પડે,
આવી આવી ને લોઢ મહા આથડે,
મારે તૂટતે સઢ સાગર વળોટવાઃ
મારો મછવો નાનો ને મોટાં મોજવાં.

કોઈ સાથી સધિયારો મને ના મળે,
પંથ આવી ને નાવ દૂર સંચરે,
ક્ષણિક મિલનો ને ચિર રહે સંભારવાંઃ
મારો મછવો નાનો ને મોટાં મોજવાં.

એક જડ ને ચેતનનો હરિ આશરો,
દિશા દાખવવા ઈશ હે! દયા કરો,
છોડી દીધું સુકાન પગે લાગવાઃ
મારો મછવો નાનો ને મોટાં મોજવાં.

(રામરસ, પૃ. ૯૫)