કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/રંગ લાગ્યો છે
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ ક્હે છે, મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું માનો ન માનો, રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.
અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?
થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’!
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.
(બંદગી, પૃ. ૨૬)