કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/લાખાગૃહમાં લ્હાય


૧૩. લાખાગૃહમાં લ્હાય

મન, શોધી લે કોઈ ઉપાય,
લાગી લાખાગૃહમાં લ્હાય.

અગને આંચી પંચેન્દ્રિય ને
સાથ છે પ્રજ્ઞાબાઈ,
આગ લગાડી દૂર ઊભા
પેલા ષડરિપુ મલકાય.
લાગી લાખાગૃહમાં લ્હાય.

આભ થકી નહિ ઊતરે નીર,
ચમત્કાર નહિ થાય,
લાખ મથે તું ભલે ઓલવવા એને,
આગ આ નહિ ઓલવાય.
લાગી લાખાગૃહમાં લ્હાય.

સદ્ગુરુ બેઠો પંડમાં, એને
થવું ન થવું સમજાય,
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા –
વિણ ન કંઈ કહેવાય.
લાગી લાખાગૃહમાં લ્હાય.

વિક્રમ તારું વણસે, તારાં
નેક ટેક એળે જાય,
ક્યાંક ઉગરવા માર્ગ કર્યો,
એનો ભેદ સમજી લે ભાઈ.
લાગી લાખાગૃહમાં લ્હાય.

(રામરસ, પૃ. ૪૯)