કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/લેહ લગાવી બેઠા


૪૯. લેહ લગાવી બેઠા


એમ લાગે છે, અમે સાજ સજાવી બેઠા,
આજ સાચે જ અમે ધૂણી ધખાવી બેઠા.

ઊંડે અંતરમાં અમે લેહ લગાવી બેઠા,
જોગીઓથીય ગહન જાગ જગાવી બેઠા.

આમ તો લાગે અમસ્તા અમે આવી બેઠા,
કેમ કહીએ, શું અમે કષ્ટ ઉઠાવી બેઠા!

એક કારણ છે અમારા અહીં આવ્યાનું, કહું?
એ અમારાથી અહીં આંખ લગાવી બેઠા.

એક વેળાનું નિમંત્રણ, ને અનાદર આવો?
ખેર, ઘર એમનું છે, એય વધાવી બેઠા.

બેસીએ કે નહીં? હક કરીને બેસીશું,
સહુનાં બાકી હતાં ઋણ તે ચુકાવી બેઠા.

અન્ય ગાફિલને ગઝલ વિણ શું સૂઝે મહેફિલમાં,
હોઠ પર હૈયે હતું તે બધું લાવી બેઠા.

(બંદગી, પૃ. ૪૯)