કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/કેટલો વખત?
Jump to navigation
Jump to search
૫૦. કેટલો વખત?
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત?
કાનાએ કાંકરી લીધી છે હાથમાં,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત?
પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત?
સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા;
ટકવાનાં આટકાટ હવે કેટલો વખત?
જ્યારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત?
ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત?
‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત?
(બંદગી, પૃ. ૫૭-૫૮)