કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કોણ લઈ ગયું
૪૮. કોણ લઈ ગયું
મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઈ ગયું?
આંસુ ને શ્વાસ એક હતા – સંકલિત હતા,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઈ ગયું?
સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ પરસ,
દુઃખમાં થતી હતી તે વ્યથા કોણ લઈ ગયું?
જે જે હતા પ્રવાસ રઝળપાટ થઈ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?
જા જઈ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઈ ગયું!
(નકશા, પૃ. ૫૦)