કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/તારા જવાબમાં
૨૬. તારા જવાબમાં
ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં,
તું પણ હવે ન જોઈએ તારા જવાબમાં.
સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં,
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં.
ગરમી રહે છે સાંજ સુધી આફતાબમાં,
ઊતરી પડે છે રાતના મારા શરાબમાં.
બીજી છે એની શોભા કે ખાલી પડી રહે,
ફૂલો ન હો તો કંઈ ન ભરો ફૂલછાબમાં.
પીતો રહ્યો સૂરા કે ન બદનામ કોઈ હો,
લોકો કહે ખુવાર થયો છે શરાબમાં.
એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં.
બે ચાર ફૂલ છે, છતાં મારી પસંદગી,
આખું ચમન સજાવી લીધું ફૂલછાબમાં.
જામી રહ્યો છે એમ અમારાં પ્રણયનો રંગ,
ધીમી ગતિ જે હોય છે ખીલતા ગુલાબમાં.
માનવના એ ગુનાની સજા શું હશે ‘મરીઝ’,
જેનું નથી બયાન ખુદાની કિતાબમાં.
(આગમન, પૃ. ૭૬)