કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/દુનિયા પર

૩૦. દુનિયા પર

કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર,
પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર.

નશામાં હોય છે સુખદુઃખ જગતના એક કક્ષા પર,
શરાબીને જ આવે છે મજા સૂવાની રસ્તા પર.

અગર ડૂબી જનારામાં તડપ બાકી નથી રહેતી,
તો આ તોફાન જેવું શું વીતી જાએ છે દરિયા પર!

પ્રથમથી જો ખબર હોત તો હું જીવી નહીં શકતે,
કે આખી જિંદગી વીતી જવાની છે ભરોસા પર.

નથી નિંદક હું ઓ દુશ્મન હકીકતનો તમાશો છું,
હશે કહેવાનું મારે જે કંઈ કહેવાનો મોઢા પર.

કહે ઝાહેદ! નમાઝ અંગેનો તારો શું અનુભવ છે,
કે અમને તો કદી ગુસ્સોય આવે છે મદિરા પર.

હવે આથી વધુ મારું પતન તો થઈ નથી શકતું,
કે ઓ સાકી! તને વિશ્વાસ આવે મારી તૌબા પર.

મને જોતો રહ્યો હું એમ તારી પાસ પહોંચીને,
નજર નાખે કોઈ પર્વત ઉપરથી જેમ દુનિયા પર.

જીવનની હર ઘડી છાયા છે આગામી પ્રસંગોની,
સવાર આવીને બેસી જાય છે દરરોજ સંધ્યા પર.

હું એ બન્નેનું કારણ છું – નિરાશા હો કે બદનામી,
ન ચૂપ રહેવાયું મોકા પર, ન કંઈ બોલાયું મોકા પર.

‘મરીઝ’ એ રમ્ય નાદાનીઓને મુદ્દત થવા આવી,
હવે એ પણ ખબર ક્યાં છે, હતી આશાઓ કોના પર!

‘મરીઝ’ એવા શરાબીની દશા સુધરી શકે ક્યાંથી?
શિખામણ આપનારા પણ હસે છે જેની તૌબા પર.
(આગમન, પૃ. ૧૦૦-૧૦૧)