કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/રસ પડે છે
૩૮. રસ પડે છે
કંઈ માગું હું એને રસ પડે છે,
હજી મારી દુઆ એ સાંભળે છે.
મને લાગે કે મારું દુઃખ છે સાચું,
કોઈ એવો દિલાસો દઈ શકે છે.
ઘણા એવા છે જે પાણીની માફક,
બીજાનો ભોગ લઈ ઉપર ચઢે છે.
તમારી યાદમાં, દુનિયાના ગમમાં,
અમારું એક દિલ ક્યાં ક્યાં રહે છે.
અમે શું ચાલી શકીએ તારા રસ્તે,
કે તું પોતે જ રસ્તામાં નડે છે.
મેં જે ચાહ્યું છે, તે દીધું છે મુજને,
હજી પણ એટલું જ જોઈએ છે.
હવે ફરિયાદ કર જાહેર, કે ઓ દિલ,
આ મારું મૌન તો સૌ સાંભળે છે.
બધા માટે છું કોઈ રાહ નક્કી,
બધા મારી ઉપર પગલાં ભરે છે.
‘મરીઝ’ અમને ન સમજાયું હજી પણ,
કે આ ઉંમર વધે છે કે ઘટે છે.
(આગમન, પૃ. ૧૩૨)