કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૪. વિદાય

૧૪. વિદાય

થતું ઊભો રૌં ને વળી વળી નિહાળું ઘર ભણી;
નમીને શેરીની ચપટી ધૂળ માથે ભરી લઉં;
વળે વેળા પાછી — ઘડીક મળી લૌં બાળપણને;
જતાં પ્હેલાં થોડું અટકી કરી લૌં સાદ નિજને!

હશે ભીની આંખો હજીય સહુની! આંગણ ઊભાં
હસ્યાં’તાં કેવું બા સજલ દઈ આશિષ! ભગિની
ભરી કંકુ ભાલે નીરખી રહી’તી મૂક! ઉંબરે
નમી ઊભેલાંયે નયન લૂછતાં’તાં ઘૂંઘટમાં!

બધું ખંખેરીને ફરી ફરી ઉપાડું પગ છતાં
વળે પાછું ઘેલું વિવશ મન; શેરી ફરી ફરી
રહે ઘેરી; પાળે ખરખર ખરી પાન પગમાં
પડે! કેડી મૂંગું ડસડસી રહે...

                                       પાંપણ લૂછી
વહું ધીરે ધીરે, પરિચય કશો પાછળ રહે!
પરાયો લાગું છું પગ પગ મને હું અહીં હવે!


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૭૩)