zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ

કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૫. દર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. દર્શન

ઉઘાડી આંખોને દર્શન આપો છો
          બની ઝાડ-પાન-ફળિયું ને ઘર,
મીંચેલી પાંપણના ઝળહળતા અંધારે
                    ન્યાળું છું નિત્ય હરિવર!

કૌતુક આ કેવું કે હૈયાને ધબકારે
                   ગૂંથાતું જાય એક ગીત,
પળે પળે પમરંતા શ્વાસ તણી બંસીમાં
                    બજવો છો જીવન-સંગીત...

ઊંઘમાંય પાંપણને પોપચે બિછાવો છો
                   હૂંફાળું ફૉરું ગગન,
સમણાંના ગોકુળમાં આવો છો શ્યામ,
                    લઈને સંગાથે વનરાનું વન...

સ્મિતની પ્રફુલ્લ એક લ્હેરખીમાં,
          આંખોની સુરખીમાં તમને પમાય;
નિજમાં બ્રહ્માંડો સમાવનાર વિશ્વરૂપ
                   કીકીમાં આવી સમાય!...


૧૯૭૧

(અંતરનું એકાંત, પૃ. ૭૪)