કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૭. મનમાં

૪૭. મનમાં

પાંદડાના મનમાં તો એવુંયે થાય છે કે
                    પીંછાની જેમ ખરી પડીએ,
લહેરાતાં લહેરાતાં ઊતરીએ નીચે ને
                    ધરતીને ધીમેથી અડીએ...

          કૂંપળ થઈ ફૂટ્યાંનાં મીઠાં સંભારણાં
                   વારસામાં પાનને મળ્યાં છે,
          પંખીનું ઊડવાનું પીંછાંનું ખરવાનું
                   રોજ એમાં કૌતુક ભળ્યાં છે!
એ તો ક્યાં જાણે છે, જેવું એ તૂટશે ને
                   સગપણ રે છૂટશે એ ઘડીએ...

          એણે જોયું છે વળી પોતાની ડાળીનાં
                   ખરતાં રહે છે રોજ પાન!
          લીલેરા રંગમાંથી એનેયે થાય છે કે
                   ક્યારે હું થઈશ પીળું પાન!
કિરણોના અજવાળે વૃક્ષોના રંગમંચ –
                   કયું રૂપ અંતરમાં જડીએ!...
                   પીંછાંની જેમ ખરી પડીએ...
                             ધરતીને ધીમેથી અડીએ...


૧૮-૭-૧૨

(અંતરનું એકાંત, પૃ. ૨૬૭)