કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/આપલે


૪૮. આપલે

મેં દાણો લઈને
ફોતરાં પાછાં આપ્યાં ધરતીને.
આમ તો પાણીય એનું હતું
ચૂસી શોષીને મેં છોડને સીંચ્યું
ટીપે ટીપે.

મૂળ પોતાને માટે ક્યાં પીએ છે?
એ તો પાણીદાર બનાવે છે
રોપાની દાંડીને,
ડાંડી ડાળખીને,
ડાળખી પાંદડાને
પાંદડું ફૂલને
ફૂલ ધરે છે દાણો પ્રકાશને.

હું ખેડુ જોતરું જાત,
સેવું ધરતીઆભને.
એ બેઉનું સહિયારું વરદાન
વરતાય દાણે દાણે.
કણસલાને ભાણે બેઠેલું પંખી
સજીવ રાખે મારા ખેતરને,
ચાંદાના ઘાટનાં ઈંડાં મૂકે.
ઈંડાં પંખી બનીને ઊડે.
ઊડી જાય, સાંજે પાછાં ફરતાં દેખાય.
એમને મન હું છું કે કેમ
એ તો રામ જાણે.
પણ એમને બેસવા થોરની વાડ છે.

જાતે ઊગેલાં ઝાડ છે.
સુગરીએ ગૂંથેલા
ઝૂલતા માળાની હાર છે.
પોતાનું પરભવનું પારણું હોય એમ
ગોવાલણીની કેડે બેઠેલી
બાળકીની આંખો ઝૂલવા લાગી.

બોલવા પહેલાં ચાલવા લાગેલાં બાળકો
ઘટામાં કોયલ શોધે.
ન જ દેખાય પછી ચાળા પાડે,
ને ઊઘડે એમનો અવાજ.
પંખીઓ અને બાળકોના કલશોરથી
બાજરિયે ને જુવારના ડૂંડે
દાણામાં દૂધ ભરાય.
પ્રાણીને ખાવાથી કામ, પંખીને ગાવાથી.
રાતે ક્યારેક ચાંદો વાદળ ઓઢી
ઊંઘી જાય
ને તરણાંનાં પોપચાં બિડાય,
ત્યારે આખું ખેતર
સપનું બની જાય.
૨૨-૭-૧૨
(મહુવા)

(ધરાધામ, ૫૪-૫૫)