કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ઝાડ


૪૭. ઝાડ

ઝાડ જગા કરી લે છે
ઊગે એવું.

ચંદ્ર ઝાકળથી સીંચે છે,
સૂરજ સવારે સેવે છે
ને પવન ઝુલાવે છે.
અંધારું ખસી જાય છે.
એનાં પાંદડાં નીચે છાયા રચાય છે.
પછી તો અવનવી કુંપળથી
ડોકિયું કરે છે ઝાડ
પ્રકાશની દિશામાં.
પ્રકાશનો સ્વભાવ છે આરોહ.

કોઈ થડ ખાંગું થાય તો
ફણગો ફૂટે સીધોસટ.
ઝટ વધે.
વધારે ઘેરાવો ઝાડનો,
એમાં ઘર કરે પંખી.
થડ પાસે દર કરે સરિસૃપ.
એની છાલ સાથે ખંજવાળે ઢોર.
ખિસકોલી ટોચે જઈ પાછી વળે
પુચ્છ પટકતી.
શેઢેથી ઊડી આવે મોર.
એનો ટહુકો સાંભળવા વાદળ લલચાય.

આભ ગોરંભાય.
વીજળી થાય, વાદળ ગાય.
ઝાડ નખશિખ તેજમાં ન્હાય.
એની ભીતર રસબસ રાસ રચાય.
ઝાડ મોટું થાય.
૧-૭-૦૯

(ધરાધામ, ૨૦૧૪, ૩૫-૩૬)