કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કાલિમંદિર, કલકત્તા


૫. કાલિમંદિર, કલકત્તા

આવજો, મૃત્યુ પછી મળશું.
તમારી આંખમાં કીકી ટમકતી કે?
બુઝાયો ના અહીં હું આટલું ઊભો છતાં, તો જાઉં.
સળિયો થાંભલી વચ્ચે પડેલો
ચીસના તીણા વજનથી કેમ તૂટે?
જે સુંવાળો જીભ વીંધીને થયો છે,
રક્તથી નાહ્યા કરે, ટપક્યા કરે,
નીચે ઊછળતી છિન્ન થઈ ગઈ ડોકની
આંખોમહીં ઊપસે સફેદી.
તૂટતી ચીસના બધા ટુકડા
તમારી સ્વસ્થ આંખોની બખોલોમાં
સમાઈ જાય ને શોષાય.
પાછું તેટલામાં તો ખડગના એક ઝટકે
ધડ અને મસ્તક જુદાં બેચાર ફૂટના
અંતરે છૂટાં પડી તડપ્યા કરે
ને લોહી તાજું કંઈક કાળા લોહીના
રંગે બરાબર એક થઈને ઢાળ બાજુ વહી રહે, પથરાય,
રોક્યાં શ્વાન ઊભાં ચાટતાં સૂકી જમીન.
તમે ઊભાં રહો હું જાઉં, નહીં તો—
થાય કે રાક્ષસ બનું,
મંદિર ઉપર મુઠ્ઠી મૂકું, ચૂંટું, લઈ મસળું
અને હુગલી મહીં ફેંકી દઉં, દરિયો ઉછાળું...
ના, અહીંના મર્ત્યલોકે એકલો વિવશ અતિથિ
ક્યાં લગી ઊભો રહું, દેખું મરણને...
આપણે મૃત્યુ પછી મળશું.
૧૯૬૨

(તમસા, પૃ. ૨૨)