કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/નારી


૧૧. નારી

બે નેત્ર, બે અધર ને ભુજબંધ વચ્ચે
મારાં તમામ વસતાં જગ હોય જાણે!
હું તો હજીય તવ લોચનની કીકીની
ચોપાસ ફેર ફરતો રમતો રહ્યો છું,
છૂટા પડેલા ગ્રહ શો.
તું એક સ્પર્શ થકી નિકટતા જગાવે,
શૂન્યાવકાશ પ્રગટે તવ રિક્ત સ્પર્શે,
ને કોક સ્પર્શ મહીં તું સરકે સુદૂરે,
શું સ્પર્શના વિવિધ વૈભવનું રહસ્ય!
તારા સ્વરે પમરતો, તવ મૌનકેરી
શીળી તમિસ્ર-લહરે તરતો રહીને
વાંછી રહ્યોઃ નિખિલને-મુજને વિસારી
આ રક્તગંધમય આશ્રય કામ્ય નારી!
૧૯૬૪

(તમસા, પૃ. ૮૭)