કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૫૦. વ્હાલબાવરીનું ગીત


૫૦. વ્હાલબાવરીનું ગીત

રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો!

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો.

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણે કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરિયો!

૭-૨-’૭૮
(છ અક્ષરનું નામ, પૃ. ૬૦૩-૬૦૪)