કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૯. શું બોલીએ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૯. શું બોલીએ?

રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુબહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ?

ત્રાજવે તોળ્યા તો એ નખશિખ હલકા નીકળ્યા
શખ્શ – જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ?

બોબડી સંવેદના ઊકલી નહીં છેવટ સુધી
એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે, રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

૧૪-૮-’૮૭/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)