કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૧. નીલિમાએ નીલ


૪૧. નીલિમાએ નીલ

નભ-નીલિમાએ મારાં વર્ણહીન વ્હેણ સોહે નીલ.
જાણું નહીં કઈ ગુહાને આધાર આદિ મુજ સ્થિતિ,
લહું માત્ર બંકિમ પથે સહજ નિરુદ્દેશ ગતિ;
તરંગે તરલ
વા ગભીર શાન્ત જલ
પિંગલ પુલિને અનાવિલ.
વંજુલ વેતસ મકર ને કંઈ મીન
ખેલંત ઉછંગે કિંવા અંચલને તલ,
વાટે ઘાટે જન વનવિહંગનાં દલ
આવે-જાય બહુવિધ ભાવમાં વિભોર;
સહુના મેળાનો મચે શોર,
નવીન આભા – ઉદય ઉસ્ત – નિશદિન.
પલે પલે અભિનવ મિલન પ્રહર્ષ,
ઇંગિતને અર્થ ઝીલું વૅણ,
ઝીલું કદંબ કરેણ,
વિચિએ વિચિએ જાય તીર ભણી વહી;
મારે અંગ ક્યાંય કશું નહીં,
કમલ નિલય તોય તેનોયે ન સ્પર્શ.
અંકાશની નીલિમાએ નીલ
બિંદુએ બિંદુએ હું તે અનંતને સાહું,
મર્મને ઊંડાણ ધરી ચાહું;
એ વિણ ન બીજો કોઈ રંગ,
કોઈ નહીં સંગ;
ભીતર ભરાઈ કલકલ રવે એ જ હસી રહે ખિલખિલ.
(સંકલિત કવિતા, પૃ. ૪૮૯)