કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૮. હાઇકુ
૪૮. હાઇકુ
૧
આભની ભણી
રાતું, ઘરે નળિયું
કાજળ કાળું.
૨
ઉંબર કને
સાથિયે પૂર્યા ચોખા
ચકલી ચણે.
૩
ભીંત ભીતર
ભીંત ભીતર ભીંત
કોના રક્ષણે?
૪
જલનું મીન
વ્યોમ-કૂદકો લેતું
જળમાં લીન.
૫
પૂર ચડેલી
નદી, ઉપર સેતુ
સરતી હોડી.
૬
આભે ડમરી
ચડે, કૂવાનાં ઊંડાં
ઊતરે નીર.
૭
કૂકડો બોલે
અંધકારને શીર્ષ
રાતી કલગી.
(સંકલિત કવિતા, પૃ. ૯૬૯-૯૭૭)