કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૫. નર્મદાને આરે

૧૫. નર્મદાને આરે
(પૃથ્વી)

વિશાલઉર નર્મદા ઘન ગભીર વેગે વહે,
અને તરલ વારિ સાંજની સરાગ લીલા મહીં
કરે પૃથિવી સ્વર્ગનો વિલય ભેદ, ગુંજે સ્ફુરે
તટે વિવિધ વિસ્તરેલ વ્યવસાય તીર્થો તણા. ૪
વહેતી સખિ! એમ તું હૃદય બેય કાંઠા ભરી,
પરંતુ ગઈ, જોયુંયે ન ફરી શી દશા આંહીંની;
હવાં સતત તપ્ત વેળુ થકી બાષ્પનાં ઝાંઝવાં
ભમાવી દૃગ વિસ્તરે વિષમ ભાસ આભાસ સૌ;
અને છીપવવા તૃષા અસલ નીતર્યાં પાણીથી
મથું અફલ વ્યાકુલ સ્મરણવીરડા ગાળવા. ૧૦
ભલે પ્રકૃતિની કૃપા સરિતશી હતી, ને ગઈ,
સહસ્ર અમીધાર તો વરસવું ઘટે સ્વર્ગથી! ૧૨

(શેષનાં કાવ્યો, પૃ. ૩૭)