કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૬. એક કારમી કહાણી
વને એક ઘેર ગંભીરો આંબલો ને આંબાની ડાળી,
રમે પંખી બાળ ને બાળી.
રહે ત્યાં મીઠડું નિત્ય કલ્લોલતાં નમણાં એકલ મેના,
નાજુક જેેને પાય છે હિના!
આવ્યા ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા,
લીલે વાન કાંઠલે કાળા! ૬
ઊઠી એક દિન સીમાડેથી જળતી ધૂણીના ધૂમની સેરો,
વાઈ તેની વનમાં લ્હેરો!
ડોલ્યો આંબો ને ડોલી ડાળ પશુ ને પંખીઓ ડોલ્યાં!
વેલે વેલે ફૂલડાં ફૂલ્યાં!
નાથી રહ્યા મોર ને મેના ડાળ છૂપી ઝીણું ટહુકી,
સુણી રહ્યો પોપટ ઝૂકી! ૧૦
ઝીણું ઝીણું ટહુકો મેનાબાઈ તમારો કંઠ છે મીઠો,
સુણ્યો કે ક્યાંઈ ન દીઠો!
ક્યારે આવ્યા કેમ પોપટજી બોલ તમારો શો રૂપાળો!
આવ્યો હું તો કરવા માળો.
ચાલો પોપટજી ચરીએ સાથ ને માળો કરીએ સાથે,
ગાતાં ગાતાં રૂડી ભાતે!
ના મેનાબાઈ તમે ગાઓ અમે સળીઓ ભરીશું,
સુણી ગીત થાક હરીશું! ૨૦
જોયેં પોપટજી હાવાં બેસણાં કેવાં કીધલાં વારુ,
આપણ બે બેસવા સારુ,
ભૂલો છો એ શું બોલ્યાં બાઈ, મારી મેના પનોતી,
ઓલ્યે વન વાટડી જોતી.
ભૂંડા ફટફટ તું પોપટ આટલી વારે આ શું બોલ્યો?
વચનથી આમ શું ડૂલ્યો?
સીમાડે દૂર ઓલ્યા જોગીની કારમી ધૂણી જાગે!
સાચું બોલ એની સાખે!
તમે આગળ હું પાછળ બાઈ! તમે ક્હો તેની સાખે,
બોલું કોઈ આળ ન ભાખે. ૩૦
આગળ મેના ને પાછળ પોપટ ધૂણીની પાસ જ્યાં પહોંચ્યાં,
ધુમાડાના ગોટે ગોટા!
જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા!
મેનાને ઊડતાં ઝાલ્યાં!
ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી!
જરા થઈ તડતડ ધૂણી!
બેભાન ભોંયેથી જાગી પોપટજી જરી આંખ ઉઘાડે,
બળતા બે પાય જ ભાળે.
અલ્યા જોગી તું બેઠો આંહી દેખે કે કૈં દેખે ના!
બળી ગઈ મીઠડી મેના! ૪૦
હતો હું સાથ હવે પ્રાશ્ચિત કે શિક્ષા શી લહું હું?
કેવી રીતે જીવ ધરું હું?
ભોળા પોપટ, તું ને હું ને મેનામાં કોણ દેખે છે?
સાચી એક ધૂણી ધખે છે!
અહીં કોઈ કોઈ જીવનની જોડ જોડી જગમાં પળે છે!
એકલડું કોઈ બળે છે!
લીએ જ્યાં પ્રેમીઓ નિજને હાથ અધીકડી દુઃખની દીક્ષા,
કરે કોણ કોણને શિક્ષા?
જાઓ માળે તમારે તમ પોપટજી ઓ રઢિયાળા,
હતા તમ પંથ જ ન્યારા! ૫૦
ઊડ્યા ત્યાંથી પોપટજી લીલે વાન ને કાંઠલે કાળા,
છાની ધરી હૈયે જ્વાળા,
વને એક ઘેર ગંભીરો આંબલો ડાળીએ એ આંબાની
બની આવી કારમી ક્હાણી! ૫૪
(શેષનાં કાવ્યો, પૃ. ૪૭-૪૯)