કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૭. માંદગીને

૨૭. માંદગીને

એક પ્રશસ્તિ
(ઘણ રે બોલે ને એરણ સાંભળે – એ રાહ)

સાચાં રે સંબંધી તમે એક છો,
બીજા ફોકટ ફંદ;
સુખ ને સુવાણ આડી વાત છે,
તમે આદિથી અંત ...સાચાંo
જૂઠાં રે સગાં ને જૂઠાં સાગવાં,
જૂઠાં સ્વજન સનેહી;
ઓરાં રે ઓરાં તો ય અળગાં ઠર્યાં,
વ્યાપ્યાં તમે અણુ અણુ દેહી ..સાચાંo
જૂઠા રે વૈદો ને જૂઠા દાક્તરો,
જૂઠાં કરી ને નિયંમ,
જૂઠાં રે નવાં ને જૂનાં શાસ્તરો,
જૂઠાં પૂરવ પચ્છંમ ...સાચાંo
ગોળ રે માંથી તો ગળપણ ગયું,
સગપણ ગયું રે સગાંય;
હૈયાના હીરા શું હૈયે જડ્યાં
તે તો મૂકી ચાલ્યાં ક્યાંય! ...સાચાંo
દેવ ને દેવી સૌ ખોટાં થયાં,
જાચ્યાં ના’વે જરૂર;
વિના રે આડી ને વિના આખડી,
તમે હાજરાહજૂર ...સાચાo
પતીજ તમારી પૂરેપૂરી
તો ય મન એક ઉચાટ;
દેહ રે છોડીને જ્યારે સોંડશું
કરશો ક્યમ રે સંઘાત? ...સાચાંo

(શેષનાં કાવ્યો, પૃ. ૭૬-૭૭)