કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૮. પ્રકીર્ણ: મુક્તકો અને ખંડકો
મુક્તકો અને ખંડકો
(મન્દાક્રાન્તા)
ના માનું હું ઘનજલ પડ્યે સ્વાતિમાં સૂર્યકાલે,
ખુલ્લી છીપો મહીં, નિપજતાં મોતી સોહાગ સાર;
ના ના લાધે કશું ય કદીયે બ્હારની મુક્ત ચીજે,
જામે અંતર્ દરદથી જ આ મૌક્તિકો મુક્તકો વા.
દુહા-મુક્તકો
એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!
એકલ વાટે વિચરવું, કરમ ન કદી લખીશ.
એકલ દેતા દાન જે, એકલ ઝૂઝતા જંગ,
એકલ જગનિન્દા સહે, એ મરદોને રંગ!
એકલ ભલાં તપસ્વિઓ, રસિયાં ભલાં જ દોય,
બીજાં ત્રણ, ત્રણ કે અધિક, જો દિલ દંભ ન હોય.
સુંદર સુંદર સૌ કહે, સુંદર કહ્યે શું જાય?
(ઈ) સાચા સુંદર કારણે, (જેનો) કળીકળી જીવ કપાય.
તન ખોટાં, હૈયાં ખૂટલ, ધરવ ન કશીયે વાત,
એ કળજુગની જાત, શાણા સમજે સાનમાં.
મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ,
જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.
‘હોળીથી હેઠા બધા!’
(સોરઠા)
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદઃ હોળીથી હેઠા બધા!
દિવાળીને તહેવાર, પ્હેરી ઓઢી સૌ ફરે;
પણ ભેદ ગરીબ શાહુકારઃ હોળીથી હેઠા બધા!
લે ને આપે પાન, પણ વરસ વધે એક આયખે;
બુઢ્ઢા બને જુવાનઃ હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલઃ હોળીથી હેઠા બધા!
છેલ્લો સુણજો બોલ, કરી દીવો વગાડે ટોકરી;
આ તો ભડકા માથે ઢોલઃ હોળીથી હેઠા બધા.
(શાર્દૂલવિક્રીડીત)
પશ્ચાત્તાપ તણો પ્રસંગ ન બને તે ભાગ્યના ઉત્તમ,
પશ્ચાત્તાપથી શાન્તિ મેળવી શકે તે ભાગ્યના મધ્યમ;
મારે તો, સમજી, સુનિર્ણય કરી, ને તે પછી એકથી
બીજી ભૂલ કરી સદા પ્રજળવું, એવું લખ્યું ભાગ્યમાં!
(શિખરિણી)
સુણીને શ્લાઘા કરે નિજ જીવનસાર્થક્ય ગણતા;
મહા કાર્યો માટે કંઈક વળી ઉત્સાહી બનતા;
મને તો શ્લાઘા ને પ્રતિવચન, આત્મા તિમિરમાં
છૂપ્યા દોષો, કાંટા, થઈ પ્રકટ, હૈયે ખટકતા!
(શિખરિણી)
બીજા છોને કહેતા, હતું મુજ મને એવું ન કદી,
ગુરુ શિષ્યો કેરું લગીર ન મને અંતર ગમે.
મને તો બેસીને નિકટ સુહૃદો સાથની મહીં
ગમે ક્હેવી વાતો, સુણવી ય ગમે ગોષ્ઠી ફરતી.
બધાયે ભેગાં એક જ રસનદીમાંહી ઝીલવું,
ઝિલાતી ઊર્મિની ચમક નયનોમાં નીરખવી
ગમે; ત્યાં શિષ્યો શા-ગુરુય – અનુયાયી વળી કશા?
(મન્દાક્રાન્તા)
એવું થાતું કદિક સજની! કૈંક સંવેદું ત્યારે
આસ્વાદાયે નહિ સભર સૌંદર્ય અંતર્ વસેલું,
પશ્ચાત્ કિંતુ અણચિંતવી એની જ જાગે પિપાસા,
તાલાવેલી તનમન થઈ, જીવ એ યોગ ઝંખે,
ઝંખી ઝંખી ગત સમયમાં કલ્પનાથી પહોંચી,
તરસ્યો જાણે યુગ યુગ તણો એમ એ ભાવ ભાવે!
ને અંતે એ અનુભવ મહીં લીન થૈ જાય એવો
કે તાદાત્મ્યે નિજપણું ગુમાવે જ ત્યારે જ જંપે!
(મન્દાક્રાન્તા)
ચોપાસે છે ઊજડ પડિયો પૃથ્વીનો પાટ લાંબો,
લુખ્ખો સૂકો જિરણ પરણે ત્યાં ઊભો એક આંબો;
‘મ્હોર્યા છે ના બહુ વરસથી; મ્હોરશેયે ન, સૌ ક્હે,
ડાળે બેસી તદપિ મધુરું કોકિલા એક ટ્હૌકે.’
ખુશનુમા!
દૂરે ક્ષિતિજ સુધી નાવડી કો હો ન વા,
પાસે સ્વજનની છાંયડી કો હો ન વા,
સામે જ જો ગર્જન્ત સાગર હોય આ,
મૃત્યુય તો છે જિન્દગી સમ ખુશનુમા!
નવયૌવન
(અનુષ્ટુપ)
રૂઝવે જગના જખ્મો, આદર્યાંને પૂરાં કરે,
ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય તે નવયૌવન!
(અનુષ્ટુપ)
વાર્તા કહી કહી જેણે અન્નથી દેહ પોષતાં
આત્માને રસથી પોષ્યો, જય તે જનની તણો.
(સોરઠો)
અંતર વ્હેતાં વૃહેણ, જોયાં હાથ ઝબોળીને
તે ત્યારથી જ શેણ! તારાં થયાં મટે નહીં.
(શેષનાં કાવ્યો, પૃ. ૮૦-૮૪)