કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૫. રાસ

૩૫. રાસ
(સાહેલી મોરી રે ગોકુલ તે ગામને ગોંદરે – ની રાહે)

સાહેલી મોરી રે કાળી કાલંદરીને કાંઠડે,
રાસે ખેલે છે ગોપીઓની સંગ, અલબેલી
વેણ વગાડતો કાનુડો!
સાહેલી મોરી રે ડોલે છે કા’ન ને મોરલી,
કાંઈ ડોલે છે ગોપી અંગ અંગ, અલબેલો
વેણ વગાડતો કાનુડો!
સાહેલી મોરી રે ડોલે છે ચન્દ્ર ને તારલા,
તાલ દે છે મહીં મેઘમૃદંગ, અલબેલો
વેણ વગાડતો કાનુડો!
સાહેલી મોરી રે ડોલે કાલંદરીનાં પાણીડાં,
કાંઈ ડોલે છે કાલિય ભુજંગ, અલબેલો
વેણ વગાડતો કાનુડો!
સાહેલી મોરી રે ડોલે ગગંન દેવદેવીઓ,
કાંઈ ડોલે છે શંભુ ને અનંગ, અલબેલો
વેણ વગાડતો કાનુડો!
સાહેલી મોરી રે રમવા ચાલોને એ રાસમાં,
જહીં રાસ રમે ગોપીઓની સંગ, અલબેલી
વેણ વગાડતો કાનુડો!

(શેષનાં કાવ્યો, પૃ. ૧૨૬)