કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૯. કાલનું અંતર

૪૯. કાલનું અંતર
(અનુષ્ટુપઃ પૃથ્વી)

‘હાર આરોપતી કંઠે હું ન વિશ્લેષના ભયે;
તે હવે આપણી વચ્ચે નદી ગિરિ સમુદ્ર હા!’
સમુદ્ર ગિરિ એ જ શું સજની અંતરાયો વડા?
સમુદ્ર ગિરિથી અભેદ્ય ન શું અંતરાયો બીજા?
સમુદ્ર પરથી તરી, ગિરિ ઉલંઘી વીંધી ચડી
ન ઉત્સુક જનો મળે શું ભીડી ગાત્રને ગાત્રથી!
પરંતુ સહુ એ થકીય ભૂંડું કાલનું અંતર!
ન ચક્ષુથકી નીરખાય કરથી ન સ્પર્શાય એ,
છતાં વિજનમાંય, તું રસની મૂર્તિ સાન્નિધ્યના
પ્રમોદ રતિ હર્ષની ઊલટમાં તણાતાં જતાં,
વિના વિષયની અબૂઝ ગુજ ગોષ્ઠિમાં ટ્‌હેલતાં-સ્હેલતાં,
તને નયનથી વિના શ્વસન એક ઘૂંટે પીતાં,
સુગાત્રિ! તુજને, સુમંદ કરથીય પંપાળતાં,
બધુંય જગત ભૂલતાં –
નિજાત્મ પણ ભૂલતાં, સતત કાલનું અંતર
ખસે નહિ, દમે, રૂંધે, હૃદયનેય દે થીજવી!
પણે સજની સાંભરે? ઉદધિને તટે નૈકદા
જલોમહીં રમ્યાં હતાં જલતણા જ એકાન્તમાં!
સુરેખ તુજ દેહ, ગાત્ર રમણીય, મોં ઊજળું,
સુરમ્યતર દીસતાં જલની ઊર્મિ આછી નીચે!
પરંતુ જલ એ જ, ગાઢ ઘન ઊંડું ને કારમું
બની, ઘડીકમાં વિલુપ્ત કરી દે તનુધારીને!
પ્રિયે! તુજ કરે તનુ અદકું રમ્ય જે કાલ તે
અભેદ્ય રચી છે રહેલ વ્યવધાન વચ્ચે ઊભું!

(વિશેષ કાવ્યો, પૃ. ૬૫)