કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૦.કવિ લઘરાજીનું ચિંતન


૨૦.કવિ લઘરાજીનું ચિંતન

લાભશંકર ઠાકર

ચરણ ચાલ્યા. કરે છે
એટલે ચારણ બન્યો છું ?
કારણ નથી કોઈ ?
અને ભારણ નથી કોઈ ?
તરણ તાર્યા કરે છે એટલે
તારો બન્યો છું ?
આરણ અને કારણ બધાં
છે આમ તો
ચક્રો મનોરથનાં
તૂટેલાં !

ધાર ચપ્પાની અરે ચીરી શકે ના કંઠ,
સૂકાભંઠ શબ્દોથી ખખડતી
વટકી આ હાથમાં.
મને આપો અમી-ની પ્યાલી, ઓ પ્યારા પ્રભુ
હું પી જવાનો છું નહી તો પાપને,
પાપના પ્રાસે
શકું ખેંચી અનાદિ આપને.
તાર કાચો
તૂટતાં તૂટી જવાનો છું
કાચનો પ્યાલો કદી ફૂટતાં પ્રભુ
ફૂટી જવાનો છું.
ઉલેચાતો શબદ,
ક્યાંક તો ખૂટી જવાનો છું.
અને તૂટી જવાનો છું
ક્રિયાના
કર્મથી
નામના વ્યયથી
વિશેષણથી
આમ-થી ને તેમ-થી
તે-થી અને જે-થી
છે અને છું-છા થકી.
વ્હેલ જૂની છે ને વાંકી ધૂંસરી
ચેડ બેસે ને વળી ઊતરે
ખખડતી ખેંચે કવિતા કોણ ?
ચૂંચવે છે ચરણ કોનાં ?
ચારણ બનીને કોણ આ
ચાલ્યા કરે છે ?
આરણ નથી કારણ નથી,
ને છતાં
ખખડતી ખેંચે કવિતા કોણ ?
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૫-1૦૬)