કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૧. અલ્લા બેલી

૪૧. અલ્લા બેલી


સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા! ખમ્મા!’; હિંમત બોલી ‘અલ્લા બેલી!’

નાવ, ઉતારુ હો કે માલમ; સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઈ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવા પણ છે પ્રેમી અધૂરા, વાતોમાં જે શૂરા પૂરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી!

કોનો સાથ જીવનમાં સારો, શૂન્ય તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
‘હાશ!’ કહી હરખાયો ઈશ્વર, શૂન્યે જ્યાં લીલા સંકેલી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૬)