કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૦. સમંદરમાં કસ નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦. સમંદરમાં કસ નથી


એવું નથી ઓ કાળ! કે મંથનમાં રસ નથી,
અમૃત રહ્યું નહીં તો સમંદરમાં કસ નથી.

દેખાય છે હજીય મને રણમાં ઝાંઝવાં,
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી.

સાકીને ખાસ મારા વતી એટલું કહો;
મુજને શરાબે-આમમાં છાંટોય રસ નથી.

જૂઠાં પડે ન ક્યાંક તબીબોનાં ટેરવાં!
પ્રેમીની નાડ છે, કોઈ મામૂલી નસ નથી.

લીલી-સૂકી તો શૂન્ય છે ચૈતન્યનું પ્રમાણ,
કબ્રોના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૨)