કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૩. ત્રણ પાડોશી
સુન્દરમ્
(ઢાળ – કાચબા કાચબીના ભજનને લગતો)
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય.
મંદિરની આરતી ટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઊભરાય.
એક ફળીનાં ત્રણ રહેવાસી, શેઠ ને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કને ના દામ.
લોકોનાં દળણાં દળતી રે,
પાણીડાં કોકનાં ભરતી રે,
કાઢી ખાય રોટલો, કરતી કામ.
શેઠની મોટીદૈત્ય હવેલી ગામનું નાક કહેવાય,
રામનું મંદિર આરસ બાંધ્યું, નિત ઝળાંઝળાં થાય,
ફળીના એક ખૂણામાં રે,
ગંધાતા કોક ખૂણામાં રે,
માકોરના મહેલ ઊભેલા સુણાય.
છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજી ઘેર,
પાછલા પહોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લ્હેર,
પહેલાં જ્યાં કૂકડો બોલે રે,
જાગેલો કૂકડો બોલે રે,
તૂટે માકોરની નીંદરસેર.
માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત,
ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,
ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખીડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દુકાળિયાંનું મોત.
ગોકળ આઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ.
મૂઠીભર ધાન બચાવા રે,
સીતાના રામ રિઝાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ.
શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પારણામાં કાલ કરવા ભજિયાં દળવા આપી દાળ,
દળાતી દાળ તે આજે રે,
હવાયેલ દાળ તે આજે રે,
ઉઠાવે માકોરપેટ વરાળ.
અંગ થાક્યું એનું આંચકા લેતું, હૈડે હાંફ ના માય,
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,
દળી જો દાળ ના આપે રે,
શેઠ દમડી ના આપે રે,
બીજો ઉપવાસ માકોરને થાય.
ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટી જાય,
ચણાની દાળ દળંતી રે,
માકોરની દેહ દળંતી રે,
ઘંટીના ઘોર તહીં ઘેરાય.
અન્ન ખાતી તોય અન્નનો દાણો દેતી ન ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ.
હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ.
શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર,
ભોમના ભાર ઉતારવા આજે જનમ્યા ’તા કિરતાર,
પરોઢના જાગતા સાદે રે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખપોકાર.
શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
માકોરની મૂરછાટાણે રે,
ઘંટીના મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસાસ.
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૪-૬)