કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/આવતી કાલ

૧૭. આવતી કાલ

હું આવતી કાલમાં માનતો ન હોત
તો મેં કવિતા લખવી બંધ કરી હોત!

ગઈ કાલે જ
મારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતાં જોઈ હતી.
સાંજને સમયે સૂર્યનાં કિરણો
એનાં પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ.

હું આજમાં માનું છું
એથી તો હું ગઈ કાલના કવિઓની કવિતા વાંચું છું.

સવારના સૂર્યનો તડકો
મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે.
પંખીનો ટ્હૌકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે.

શિશિરમાં
જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે
એવા વૃક્ષને તો
પંખીનો ટ્હૌકો પણ પાંદડું લાગે.

હું એ ટ્‌હૌકાને
આંખમાં આંજી લઉં છું
અને
લખું છું મારી લિપિ.

આવતી કાલ
એ ઈશ્વરનું બીજું નામ છે!

૧૯૭૦(કાવ્યસૃષ્ટિ, પૃ. ૭૩)