કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/પંથ એક ફૂટ્યો

૨૦. પંથ એક ફૂટ્યો

મારા પગલાથી પંથ એક ફૂટ્યો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટ્યો!

વાસંતી વાયરે પાંદડાંની જેમ જોયો
પંખીની પાંખોનો કંપ;
ઊડતા એ ટહુકાઓ આકાશે ઊઘડે
તારલિયા થઈને અનંત.
મેં તો મૌન મહીં ટહુકો એક ઘૂંટ્યો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટ્યો!

વાદળના વણઝારા સૂરજને આવડે છે
શેવાળે સ્હેલવાની રીત;
સૂરજમુખીનું મુખ ઊંચું કરીને સ્હેજ :
જળમાં જઈ રેલે છે પ્રીત.
ચાંદ જરા જળમાં ડૂબ્યો ને નભે ઊગ્યો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટ્યો!

૧૯૬૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૯૪)