કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મને ડાળખીને

૩૩. મને ડાળખીને

એક ભૂરા આકાશની આશા ફૂટી.
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણઝારો.
જાણે માછલીને જળની પિપાસા ફૂટી.
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે :
અમને તો બધ્ધું કબૂલ.
મારી સઘળી દિશાને તલાશા ફૂટી.
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

૫-૧૨-૧૯૭૭(કાવ્યસૃષ્ટિ, પૃ. ૩૧૬)