કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૭. કળીએ કપાણો


૪૭. કળીએ કપાણો

પાયા પૂર્યા ને કાઢ્યાં ભીંતડાં,
મેલી છત ને કાંઈ કોર્યાં રે કમાડ.
હવા ને પાણી ને તરતા તેજનાં
પાડ્યા ખાંચા-ખચકાં ને વાળી વાડ,
કળીએ કપાણો જીવણ જીવડો.
વન રે વાઢ્યાં ને ખોદ્યા ડુંગરા,
માટી બાળી બાળીને પાડી ઈંટ,
મનને ઝરૂખે મબલખ મ્હાલતા,
આવા ક્યાંથી થયા રે આવા ધીટ!
કળીએ કપાણો જીવણ જીવડો.
કાયાની જેવાં રે આ સૌ કોટડાં
જેનું નામ રે પાડ્યું એનો નાશ,
પંડને પળોટ્યો રાગારંગમાં
ખોયાં હળવાં સૌ હેત ને હુલાસ
કળીએ કપાણો જીવણ જીવડો.
ખપે તો ખપે રે ખુલ્લો ઓટલો,
ઝાંખી-પાંખી ઝાડવાંની છાંય;
રોટી ને લંગોટી જેણે જોગવ્યાં
એની રટણા રમે રુદિયા માંહ્ય,
કળીએ કપાણો જીવણ જીવડો.
(ગુજરાત દીપોત્સવી અંક-૧૯૯૫)
(જળમાં લખવાં નામ, પૃ. ૨૮૧)