કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૬. એવું અમથું ક્યારેક

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૬. એવું અમથું ક્યારેક

એવું અમથું ક્યારેક કોક સાંભરે
આકાશે હોય નહિ વાદળીની રેખ
નહીં મોરલાની ગ્હેક, નહીં માટીની મ્હેક;
ક્યાંક શીતળ પવનનીયે લ્હેરખીયે ન્હોય
– એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગેઃ
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે!
એવું અમથું ક્યારેક કોક સાંભરે…
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી ફળિયું ખાલી
સાવ શેરી ખાલી ને એમાં સૂની આ વાટ જાય ચાલી;
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકેઃ અમલ ઘેનઘેરા ચડે!
એવું અમથું ક્યારેક કોક સાંભરે!
(જળમાં લખવાં નામ, પૃ. ૨૭૧)