કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૯. સાંઈ

૨૯. સાંઈ

તમારે દર જઈને સર ઝુકાવું છું હવે સાંઈ,
તમે બે હાથ લંબાવો કે આવું છું હવે સાંઈ.
પ્રતીક્ષાની ધવલ ચાદર ચરણધૂલીને ઝંખે છે,
કાં દર્શન થાય, કાં શ્વાસોને તાવું છું હવે સાંઈ.
હવામાં ઝીણી ઝીણી, મીઠી મીઠી ઘૂઘરી વાગે,
તમે આવો, હૃદયમંદિર સજાવું છું હવે સાંઈ.
કરો દીદાર, કોઈ પણ કયામત જોઈ લેવાશે,
હૃદય પર હાથ દો, પડદો ઉઠાવું છું હવે સાંઈ.

૧૯–૫–૧૯૬૬

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૭૮)