કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૮. કહેણ

૪૮. કહેણ

સપનામાં નીરખ્યા મેં શ્યામ,
                  હવે નહીં રે ઉઘાડું મારાં નૅણ,
મૌનનો ઉજાસ મારા અંતરમાં,
                  કેમ કરી ઊચરું અંધારાનાં વૅણ!
તમને લાગે છે ગાઢ નીંદર,
                  પણ સૂરજના દિવસોમાં મારે નથી જાગવું,
તમને લાગે એ ભલે ભ્રમણા,
                  પણ શમણાને મૂળ લગી મારે હવે તાગવું,
આ પારે પાય મારા વિરમે ના,
                                    આવે છે સામે કિનારેથી કહેણ.
ચાલું, ચાલું ને તોય લાગે કે આખર છે
                                    જીવનની જાતરા અધૂરી,
પાસે ને પાસે કોઈ પગલાં આવે, ને
                           રહે આઘે ને આઘે એક દૂરી.
લેખાં ને જોખાં કોણ માંડે છે, બાકી રહી
                                    કોની આ થોડી લેણદેણ!

૧૩-૯-’૮૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૯૦)